Gazal /Vaat krvi chhe ..... Post (4)

વાત કરવી છે.... 

 

તમે છેલ્લે નજર નાખી હતી એ નજરની વાત કરવી છે,

અમારા પર પછી એની પડેલી અસરની વાત કરવી છે.

 

અમે સંજોગથી આવ્યા નહીં 'ને તમે દરકાર ના લીધી

પછી આગળ વધી નહિ આયખાંની સફરની વાત કરવી છે.

 

ઘણાં સપનાં અને બાકી રહેલી મુરાદો આમ મૂકીને-

તમે કારણ વિના છોડી ગયાં એ નગરની વાત કરવી છે.

 

તમે સંવાદને વાદો વિવાદો તરફ દોરો,તમે જાણો

અમારે તો કશા દાવા દલીલો વગરની વાત કરવી છે.

 

ભલેને આપણે પાછાં મળી ના શક્યાં  પણ એટલું છે કે-

કદી ખોટી નહોતી આપણી એ ડગરની વાત કરવી છે.   

 

હતું કે કોઇપણ રીતે તમારા સુધી આ વાત ના પ્હોંચે

છતાંયે કોણ આપી ગ્યું મરણના ખબરની વાત કરવી છે.

 

કહો તો હાડ ઓગાળી હિમાલય જઈએ 'ને વસીએ પણ-

સબંધોમાં 'અમન'ની ક્યાં રહી એ  કસરની વાત કરવી છે.

             

                                           -  નિષાદ ઓઝા 'અમન'


Comments